વડોદરા: પ્રાપ્ત વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના વતની અને હાલ વડોદરા નિવાસી વકીલશ્રી જશવંતકુમાર બારોટશ્રીએ ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ નાઓને લેખીતમાં રજુઆત કરી છે કે, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ એકટ ૨૦૦૬ મુજબ હાલ ધારાધોરણ હેઠળ વર-વધુના લગ્ન અંગેની નોંધણી કરવામાં આવે છે, જેમાં વર-વધુની સહીઓ, બે સાક્ષીઓ તથા લગ્ન વિધી કરાવનાર મહારાજની સહીઓ કરાવવામાં આવે છે, પરંતુ માતા–પિતાની રજીસ્ટ્રાર રૂબરૂ સહી ફરજીયાત રાખવામાં આવેલ નથી. આ કામે વર-વધુ ના ઉંમરના પુરાવાઓ, શાળાન એલ.સી., જન્મનો દાખલો, આધારકાર્ડ, વર-વધુના રહેઠાણના પુરાવામાં લાઈટ બિલ, લગ્નનો ફોટો, લગ્ન અંગેન સોગંદનામ, લગ્ન વિધી કરાવનાર મહારાજની સહી તથા આધાર કાર્ડની નકલ તથા બે સાક્ષીઓની સહી તથા આધારકાર્ડ, એગ્રીમેન્ટ ટીકીટ વિગેરે દસ્તાવેજો રજુ કરવામાં આવે છે, જે આધારે વર-વધુને લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આમ, વર–વધુના લગ્ન અંગેના દસ્તાવેજો તથા બે સાક્ષીઓની સહીઓને આધારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવતા હોવાથી ગુજરાત રાજયમાં અનેક સમાજમાં કેટલીક અપહરણની ફરીયાદો આવતી હોય છે, જેમાં માતા-પિતાની જાણ બહાર કેટલાક ઈસમો દિકરીઓનુ અપહરણ કરી, તેણીની પાસે સંમતીથી લગ્ન અંગેના લખાણો કરાવી લઈ, કાયદાનો દુરઉપયોગ થતો હોય છે, જેના કારણે દિકરીઓ બળાત્કારનો ભોગ બનતી હોય છે, પરંતુ પોલીસ પણ કાયદાથી બંધાયેલી હોવાથી માતા-પિતાની લાગણીને રક્ષણ પુરૂ પાડી શકતી નથી અને અલગ અલગ જ્ઞાતિના / અલગ અલગ સમાજના અને અલગ અલગ નાત–જાતના લગ્ન નોંધણીના કિસ્સાઓથી ગુજરાતમાં અનેકોનેક પોલીસ ફરીયાદો થાય છે, ઝઘડાઓ થાય છે, જાનહાનીઓ થાય છે, પરંતુ લગ્ન રજીસ્ટર થઈ જવાને કારણે સગા માતા-પિતા પણ કોઈ પગલા લેવા હકકદાર બનતા નથી. જેનાથી નિર્દોષ માતા–પિતાએ પણ પોતાની એકની એક દિકરી અંતે ગુમાવવાનો વારો આવે છે, માતા-પિતાની જાણ બહાર માત્ર બે સાક્ષીઓની સહીથી લગ્ન નોંધણી પ્રથા ચાલતી હોવાને કારણે માતા–પિતાએ પોતાની દિકરી ગુમાવવાનો વારો આવે છે, જેથી ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ એકટ ૨૦૦૬ માં જરૂરી સુધારો કરી વર-વધુના લગ્ન નોંધણી માટે તેમના માતા-પિતાની સહીઓ ફરજીયાત કરવા ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ નાઓને એડવોકેટ અને સામાજિક કાર્યકર શ્રી જશવંતકુમાર એલ. બારોટશ્રીએ રજુઆત કરી છે.