કોરોનાકાળમાં મૃત્યુ પામનાર વકીલોના વારસોને સહાય ચૂકવવામાં આવેલ મોટી રકમની ગુજરાત બાર કાઉન્સિલમાંથી ઉચાપત થયાનું સામે આવ્યું હતું ત્યારે આ કૌભાંડના કસૂરવાર લોકો સામે શું કાર્યવાહી કરી તેને લઇ ગુજરાત બાર કાઉન્સિલના વિપક્ષના સભ્ય ગુલાબખાન પઠાણ સહિતના ત્રણ સભ્યોએ એક મહત્ત્વનો પત્ર બાર કાઉન્સિલના ચેરમેનને પાઠવી તેનો ખુલાસા સાથેનો જવાબ આપવા અને જે કંઇ કાર્યવાહી કરાઇ હોય તે બાર કાઉન્સિલની સામાન્ય સભામાં જાહેર કરવા માગણી કરી છે. ઉપરાંત મૃત્યુ અને માંદગી સહાયમાં વધારો કરવા રજૂઆત કરી છે.
ગુજરાત બાર કાઉન્સિલના વિપક્ષના સભ્યો ગુલાબખાન પઠાણ, પરેશ એચ.વાઘેલા અને રણજિતસિંહ રાઠોડે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ગુજરી ગયેલા વકીલોને મૃત્યુ સહાય ચૂકવવામાં ગંભીર નાણાંકીય ઉચાપત થઇ હોવાની ફરિયાદ ઉઠી છે, પરંતુ બાર કાઉન્સિલ પાસે અમે વિગતો માગીએ છીએ, પરંતુ અપાતી નથી. આ સમગ્ર મામલે બાર કાઉન્સિલના ચેરમેનને પત્ર પાઠવી માગ કરાઇ છે કે, વકીલોની માતૃસંસ્થામાંથી નાણાકીય ઉચાપતના આ પ્રકરણમાં બાર કાઉન્સિલ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ છે ખરી..? જો કરાઇ હોય તો તે બાર કાઉન્સિલની સામાન્ય સભામાં જાહેર કરવામાં આવે. વળી, આવી ઉચાપતના આંકડા મેળવવા કોઇ ઓડિટ કરાયું છે કે કેમ..?તેનો રિપોર્ટ પણ બાર કાઉન્સિલના તમામ સભ્યોને પૂરો પાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. વિપક્ષના સભ્યોએ હાલ દેશમાં પ્રવર્તી રહેલી કારમી મોંઘવારીને જોતાં રાજ્યમાં વકીલોના મૃત્યુના કિસ્સામાં ચૂકવાતી મૃત્યુ સહાયની રકમ અને બીમારીના કિસ્સામાં ચૂકવાતી માંદગી સહાયની રકમમાં પણ નોંધપાત્ર વધારો કરવા ઉગ્ર માગ કરી છે.
વિપક્ષી સભ્યોએ જણાવ્યું કે, બાર કાઉન્સિલ દ્વારા હાલ સ્વ.વકીલોના વારસોને મૃત્યુ સહાયની રકમ પેટે રૂ. ૩.૫૦ લાખ ચૂકવાય છે જ્યારે માંદગી સહાયની ૨કમ પેટે વકીલોને રૂ. ૩૦ હજારની સહાય અપાય છે, પરંતુ તે સહાય આટલી કારમી મોંઘવારીમાં પૂરતી અને યોગ્ય ના કહી શકાય. તેથી બાર કાઉન્સિલે વકીલોના પરિવારજનો અને તેમના આશ્રિતોના હિત અને મોંઘવારી સહિતના પાસાઓ ધ્યાનમાં લઇ મૃત્યુ સહાયની રકમ વધારી પાંચ લાખ રૂપિયા કરવી જોઇએ અને માંદગી સહાયની રકમ એક લાખ રૂપિયા સુધી વધારવી જોઇએ.