ભ્રષ્ટાચાર માટે આઈએએસ પીસીએસ અધિકારીઓ-નેતાઓની સાઠગાંઠ જવાબદાર : મદ્રાસ હાઈકોર્ટ
વર્તમાન સમયમાં દેશમાં ભ્રષ્ટાચારના મૂળ ઊંડા થઈ ગયા છે અને તે અનિયંત્રિત -નિર્વિરોધ રીતે સડસડાટ દોડી રહ્યો છે
મદ્રાસ હાઇકોર્ટે ભ્રષ્ટાચાર મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે ભ્રષ્ટાચાર માટે આઇએએસ, પીસીએસ, રાજનેતાઓ અને અમલદારોની સાઠગાંઠને જવાબદાર ગણાવી છે.
કોર્ટે સાથે જ કહ્યું હતું કે ન્યાયિક સેવાઓને પણ નથી છોડવામાં આવી. મદ્રાસ હાઇકોર્ટે ભ્રષ્ટ પ્રથાઓ વિરુદ્ધ ટીકાત્મક ટિપ્પણી કરતા કહ્યુ હતું કે વર્તમાન સમયમાં દેશમાં ભ્રષ્ટાચારના મૂળ ઊંડા થઈ ગયા છે અને તેઅનિયંત્રિત અને નિર્વિરોધ રીતેસડસડાટ દોડી રહ્યો છે. આ ટિપ્પણી એમ. રાજેન્દ્રન નામની વ્યક્તિએ દાખલ કરેલી અરજીમાં કરાઈ હતી. રાજેન્દ્રન એક સરકારી કર્મચારી છે અને તેમની સામે અન્ય વ્યક્તિઓ સાથે મળીને આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરવાના આરોપમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર હાઇકોર્ટે કહ્યું હતું કે આ સર્વવિદિત છે કે આપણો મહાન દેશ કઈ રીતે ભ્રષ્ટાચારમાં વધુને વધુ ડૂબતો જઈ રહ્યો છે. આ વાતે કોઈ શંકા નથી કે વર્તમાનમાં ભારતમાં ભ્રષ્ટાચાર તમામ સ્તરોએ અને તમામ સેવાઓમાં ફેલાયેલો છે, એટલે સુધી કે ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ન્યાયિક સેવાઓને પણ છોડવામાં આવી નથી. ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર માત્ર ગેરકાયદે કાર્યોમાં જ નથી મળતો, બલકે કાનૂની લેવડ-દેવડમાં પણ લાંચની માગણી અને સ્વીકૃતિ સરકારી વિભાગો અને પોલીસ વિભાગમાં મોટા પાયે જોવા મળેછે. આથી પીડિત વ્યક્તિઓએ કરેલી ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી શરૂ કરીને તે સંબંધમાં જનતાના મનમાં રહેલા અભિપ્રાયને દૂર કરી શકાય છે. તેથી જ ઉચ્ચ અધિકારીઓ પાસે અપેક્ષા રખાય છે કે તેઓ ભ્રષ્ટાચારના કેસમાં સંવેદનશીલ રહે.