ગુજરાત સરકાર આગામી બે દિવસમાં જિલ્લા પોલીસ અધિક્ષક- DSPથી લઈને પોલીસ કમિશનર અને એડિશનલ DGP એમ તમામ સ્તરે IPS ઓફિસરોમાં ધરમુળથી ફેરફાર કરશે. જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગૃહ વિભાગે ગુરૂવારે વર્ષ ૨૦૧૯ની બેચના પાંચ જૂનિયર IPSને સિનિયર ટાઈમ સ્કેલમાં પ્રમોશન આપ્યા હતા.
લાંબા સમયથી અમદાવાદ પોલીસ કમિશનરેટમાં કાયમી કમિશનર સહિત અગાઉ જેમને યથાસ્થાને પ્રમોટ કરાયા છે તેવા IPSની બદલીઓ વિલંબિત છે. જેની પાછળ હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ અકાદમીમાં ટ્રેનિંગ હેઠળ રહેલા ચાર એડિશનલ DGP કારણભૂત હોવાનું કહેવાય છે. આ ચારેય સિનિયર IPSની ટ્રેનિંગ શુક્રવારે પૂર્ણ થાય અને તેઓ પરત ગુજરાત આવે તે પહેલા જ ગુરૂવારે વર્ષ ૨૦૧૯ની બેચના પાંચ જૂનિયર IPSને સિનિયર સ્કેલમાં પ્રમોટ કર્યા હતા. જેમાં અમદવાદના ACP અતુલકુમાર બંસલ, ગાંધીનગર ટ્રાફિક બાંન્ચના અલોક કુમાર, CIDના શિવમ વર્મા, દાહોદના જગદિશ બાંગરવા અને આણંદના અભિષેક ગુપ્તાનો સમાવેશ થાય છે. આ પાંચેય જૂનિયરોને હવે જિલ્લા કક્ષાએ અધિક્ષક અથવા તેની સમકક્ષ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવશે. આથી, આગામી બે દિવસમાં જ રાજ્યભરમાં મોટાપાયે IPS ઓફિસરોની બદલીઓની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ટ્રેનિંગ હેઠળ રહેલા ચારેય એડી. DG આજે હૈદરાબાદથી પરત આવશે.