દાણીલીમડા વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો એવી છે કે 7 જેટલા શખસોએ ચોરીની શંકાએ એક યુવકને બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, તેના પેન્ટમાં રેતી ભરીને ફટકારતા તે ત્યાં જ બેભાન થઈ ગયો છે. ત્યારબાદ તેને જેમ તેમ કરીને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરીને હત્યામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરીને .કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ફરિયાદ અનુસાર દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટમાં મુજીબ અન્સારી રહે છે અને સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાત કરે છે. તેનો નાનો ભાઈ નદીમ માતા સાથે ફૈસલનગરમાં રહેતો હતો. 15 જૂનની વહેલી સવારે એક મહિલા સહિત સાત લોકોએ મુજીબના ઘરે તેના ભાઈએ ચોરી કરી હોવાનું કહીને નદીમને લઈ આવ્યા હતા. મુજીબે ટોળામાં રહેલી મહિલાને કહ્યું કે, જો તેના ભાઈએ ચોરી કરી હોય તો તેને પોલીસને સોંપી દો. ત્યારબાદ તમામ શખસો નદીમને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
બાદમાં આરોપીઓએ બપોરે નદીમની બહેને ફોન કરીને તેના ભાઈને લઈ જવાનું કહેતા તેઓ નદીમને ઘરે લઈ આવ્યા હતા. આરોપીઓએ નદીમની બહેનને ફરિયાદ કરશો તો હજી મારીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ માતા-બહેને જોયું તો નદીમને ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી પણ નીકળતું હતું.
પૂછપરછ કરતા નદીમે પરિવારને જણાવ્યું કે, રેહાનાબાનુ શેખ, શારરૂખ હસન શેખ, આમિર હસન શેખ, સમીરખાન સિપાઈ, મોહમ્મદ હમન ઉર્ફે સોનુ શેખ, અયુબ ઉર્ફે પોટલી પઠાણ અને સોહિલ ઉર્ફે ઘીએ ભેદા મળીને ચોરીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કસાઈ જમાતની ચાલીમાં દોરડાથી બાંધીને રૂમમાં બંધ કરી દીધો અને પેન્ટમાં કપચી ભરીને પથ્થર નાખી દંડા અને પટ્ટાથી માર માર્યો હતો.