શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.બધાની વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા રખિયાલમાં એક જ દિવસમાં તસ્કરોએ ધોળા દિવસે જ બે અલગ અલગ મકાનોના તાળા તોડી તેમાં હાથફેરો કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી દીધા છે.હાલ તો પોલીસે બંને બનાવોમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રખિયાલ વિસ્તારમાં મોહસીન અંસારી પરિવાર સાથે રહે છે .શુક્રવારે તેઓ પરિવાર સાથે તેમના પિતાને ત્યાં ગયા હતા.જે બાદમાં બપોરના સમયે મોહસીનભાઈ ઘરે પરત આવ્યા ત્યારે તેમને ઘરના બહારના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં અને વેર વિખેર હાલતમાં પડેલો સમાન જોયો હતો.જેથી મોહસીન ભાઇએ અન્ય રૂમમાં આવેલ કબાટમાં રહેલ એક બેગને તપાસતા તેમાં મુકેલ સોનાનો
હાર,અંગૂઠી,ચેઇન સહિતની કુલ 3.90 લાખની મતા ગાયબ હતી.ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની શંકાને પગલે મોહસીનભાઇએ રખિયાલ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોધાવી હતી.બીજી તરફ રખિયાલ વિસ્તારમાં રહેતા સરફરાઝ ભાઈ કુરેશી કાલુપુર ખાતે આમલેટની લારી ધરાવી વેપાર ધંધો કરે છે.શુક્રવારે તેઓ બપોરના સમયે ધંધા પરથી ઘરે આવ્યા હતા. આ દરમિયાન સરફરાઝ ભાઈને ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો.ત્યારબાદ તેમને ઘરની અંદર રહેલ તિજોરીના લોકરની તપાસ કરતા અંદર રહેલ રોકડ, સોનાના દાગીના સહિતની કુલ 1 લાખની મત્તા ગાયબ હતી.જેથી આ અંગે સરફરાઝ ભાઈએ રખિયાલ પોલીસમથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.