રિપોર્ટ: – જીજ્ઞેશ સોની
શામળાજીથી ચિલોડા સુધીના હાઇવે ઉપર બનાવવામાં આવેલા બ્રીજોમાં ગુણવત્તા જળવાઈ ન હોવાની રજૂઆત
સર્વિસ રોડ તેમજ મુખ્ય માર્ગ તેમજ ઓવરબ્રિજનું કામ ઝડપી પૂરું કરવા માટે સાંસદે મંત્રીને રજૂઆત કરી
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે 48નું કામ છેક વર્ષ 2018 થી ચાલી રહ્યું છે જેનો હજુ કોઈ અંત આવ્યો નથી. આ હાઇવેનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તે માટે તાજેતરમાં સાબરકાંઠા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને રજૂઆત કરી હતી. આ નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલા ઓવરબ્રીજો પણ તકલાદી બનાવવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
શામળાજી થી હિંમતનગર તેમજ ચિલોડા ને જોડતા નેશનલ હાઇવે 48 નું કામ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે જોકે હજુ તેનો નિવેડો આવતો નથી. હાઈવે ઉપરાંત સર્વિસ રોડ તેમજ બ્રિજ ના કામ અધૂરા રહેતા વાહન ચાલકોથી લઈ લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં સાબરકાંઠા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા એ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી અને નેશનલ હાઇવે 48 નું બાકી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. નેશનલ હાઈવે 48 ના અધૂરા સર્વિસ રોડ ના કામ માટે મંત્રીએ ₹456 કરોડની ફાળવણી કરી હતી અને અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી હતી કે યુદ્ધના ધોરણે જે કામ બાકી છે તે પૂરું કરવામાં આવે. સાંસદે જણાવ્યું કે આ હાઈવે નું કામ વર્ષ 2018 થી ચાલુ હોવા છતાં આજદિન સુધી આ કામ પૂરું કરવામાં આવ્યું નથી. આ હાઇવે પર શામળાજી થી ચિલોડા સુધીના માર્ગ ઉપર 25 જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને તેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા નું કામ કરવામાં આવતા ચોમાસામાં આવા બ્રિજો ભંગાર થઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. બ્રીજોની સાઈડ દિવાલો ગમે ત્યારે પડી જાય તેવી હલકી બનાવવામાં આવી છે તેના કારણે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. આ અગાઉ જે બ્રિજ બનાવવામાં આવ્યા હતા તેના ઉપરના ભાગે માટીકામ કરી અને ડામર રોડ બનાવવામાં આવેલ છે જે રોડ ચોમાસાની સિઝનમાં વારંવાર બેસી જાય છે. આ ઉપરાંત ગામ તેમજ શહેરની વચ્ચેથી પસાર થતાં બ્રીજોની આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા નથી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે.