૨૦૨૨માં ભારતનો ક્રમ ૧૫૦ હતો : મીડિયા સંગઠનોએ ચિંતા વ્યકત કરી
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૧ સ્થાન પાછળ ધકેલાઇ ૧૬૧મા ક્રમે
પાકિસ્તાન સાત ક્રમ ઉપર આવીને 150મા ક્રમે, યાદીમાં પ્રથમ સ્થાનેે નોર્વે જ્યારે છેલ્લા ક્રમે ઉ. કોરિયા, ચીનનો ક્રમ 179
નવી દિલ્હી : આજે જાહેર થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, ૨૦૨૩માં ભારતનો ક્રમાંક ૧૧ સ્થાન પાછળ જઇને ૧૬૧એ આવી જતાં દેશના મીડિયા એસોસિએશનોએ ચિંતા વ્યક્ત કરી છે. ગ્લોબલ મીડિયા વોચડોગ રિપોટર્સ વિધાઉટ બોડર્સ (આરએસએફ) દ્વારા વૈશ્વિક ધોરણે દર વર્ષે પ્રેસની સ્વતંત્રતા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ગયા વર્ષે પ્રેસની સ્વતંત્રતાની બાબતમાં ભારતનો ક્રમ ૧૫૦ હતો જે ઘટીને ચાલુ વર્ષે ઘટીને ૧૬૧ થઇ ગયો છે. આરએસએફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ દેશોની સ્થિતિ સમસ્યારૂપથી વધીને ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. આ ત્રણ દેશોમાં તજિકિસ્તાન, ભારત અને તુર્કીનો સમાવેશ થાય છે. તજિકિસ્તાન ૧ સ્થાન પાછળ ધકેલાઇને ૧૫૩માં ક્રમે, ભારત ૧૧ સ્થાન પાછળ ધકેલાઇને ૧૬૧માં ક્રમે અને તુર્કી ૧૬ સ્થાન પાછળ ધકેલાઇને ૧૬૫માં ક્રમે આવી ગયું છે. ઇન્ડિયન વુમન્સ પ્રેસ કોર્પ્સ, પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા અને પ્રેસ એસોસિએશને સંયુક્ત નિવેદન જારી કરી વર્લ્ડ પિરેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૧ ક્રમ પાછળ ધકેલાતા ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા શશી થરુરે પણ આ અંગે ટિપ્પણી કરતા ટ્વિટર પર જણાવ્યું છે કે ૧૮૦ દેશો પૈકી પ્રેસ સ્વતંત્રતાની બાબતમાં ભારત ૧૧ સ્થાન પાછળ ધકેલાઇને ૧૬૧માં ક્રમે આવી જતા આપણા માથા શરમથી ઝૂકી ગયા છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો પ્રેસ સ્વતંત્રતાની બાબતમાં પાકિસ્તાન સાત સ્થાન ઉપર આવીને ૧૫૦મા ક્રમે આવી ગયું છે. આ યાદીમાં પ્રથમ ક્રમે નોર્વે છે જ્યારે છેલ્લા ક્રમે એટલે કે ૧૮૦મા ક્રમે ઉત્તર કોરિયા છે. ચીનનો ક્રમ ૧૭૯મો છે.