અમદાવાદ, મેગા સિટી અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઇમનો ગ્રાફ વધ્યો છે ત્યારે તેને રોકવા માટે શહેર પાસે પૂરતો સ્ટાફ જ નથી. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચોરી-લૂંટ, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં વધારો થાય તેવી શક્યતા દેખાઇ રહી છે આવી સ્થિતિમાં પોલીસ પર કામનું ભારણ વધ્યું છે. શહેરમાં કુલ ૪૮ પોલીસ સ્ટેશન છે, જ્યાં ૯૬ પીઆઇ હોવા જાઇએ તેની જગ્યાએ ૫૮ પીઆઇ હાજર છે, જ્યારે ૪૦ સેકન્ડ પીઆઇની ઘટ છે. શહેરનાં નવ પોલીસ સ્ટેશન વ†ાપુર, સોલા, કારંજ, શહેરકોટડા, દરિયાપુર, બાપુનગર, રામોલ, વટવા અને દાણીલીમડા જ સેકન્ડ પીઆઇ છે. શહેરમાં બની રહેલા ગુના અને તેમાં પણ વણઉકેલાયેલા ગુનાને લઇ શહેરના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર પર દબાણ કરતા રહેતા હોય છે પણ સ્ટાફ જ ન હોય ત્યાં કામગીરી કેમની શક્ય બને, આ જ વાત હાલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કહી રહ્યા છે. ઘણા વર્ષથી ચાલતી શહેરનાં તમામ પોલીસ સ્ટેશનમાં બે પોલીસ ઇન્સપેક્ટરની પ્રથા પણ હવે ધીમે ધીમે ભૂંસાતી જાય છે. ક્રાઇમ રેટને ઘટાડવા માટે દિવસે ને દિવસે નવા પોલીસ સ્ટેશન બનતા ગયા. રાજ્યભરમાં ૪૫૦ કરતાં વદુ પોલીસ ઇન્સ્પેક્ટરની અછત છે. અમદાવાદનાં ૪૮ પોલીસ સ્ટેશન પૈકી ૪૦ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કોઇની નિમણૂક કરવામાં આવી નથી. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપી રહ્યા છે પણ પોલીસની હાલત કામના ભારણના લીધે કફોડી બનતી જાય છે. સેક્ટર-૧ એટલે પશ્ચિમ વિસ્તારમાં ૨૬ પોલીસ સ્ટેશન આવે છે, જેમાં માત્ર ૨૯ પીઆઇ છે, જ્યારે સેક્ટર-૨ એટલે પૂર્વ વિસ્તારમાં ૨૨ પોલીસ સ્ટેશનમાં માત્ર ૨૭ પીઆઇ છે.
Views: 52
Read Time:2 Minute, 30 Second