નડિયાદ: નડિયાદના અરેરાની સીમમાં વૃદ્ધ ખેડુતે ખેતરમાં ગોડાઉનમાં તમાકુની ગુણ ભરી હતી. આ દરમિયાન ખેડુત બીજા દિવસે ગોડાઉન પર જતા તાળા તૂટેલા જોવા મળ્યા હતા. જેથી તપાસ કરતા ગોડાઉનમાં રહેલી 220 ગુણ પૈકી 100 તમાકુની ગુણ રૂ 3.92 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડયુ હતુ. જેને લઇને ચોરો વાહન લઇને આવ્યા હોવાનું મનાય છે. નડિયાદના અરેરામાં રહેતા ભૂપતસિંહ મહીડા ઉ.60 પરિવાર સાથે રહી ખેતી કરે છે. ખેડુતે ચાલુ વર્ષે અરેરા ગામની સીમમાં આવેલા ખેતરમાં તમાકુનું વાવેતર કર્યુ હતુ. જે તા. 3 મે ના રોજ તમાકુ ની કુલ 220 ગુણ ભરીને ગોડાઉનમાં મૂકી હતી અને ગોડાઉન ના દરવાજે તાળુ મારી ઘરે આવીને સૂઈ ગયા હતા. તેના બીજા દિવસે તા. 4 મે ના રોજ સવારે 5:30 વાગ્યાના અરસામાં ખેડૂત ગોડાઉન પર જતા ગોડાઉનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. જેથી ગોડાઉનમાં તપાસ કરતા તમાકુની 220 ગુણ માંથી 100 ગુણ રૂ 3.92 લાખ જોવા મળી ન હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.