AAP સરકાર બનાવવામાં અંદરખાને મદદ કરો: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું, રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો દેશમાં સારામાં સારું પગારધોરણ ગુજરાત પોલીસનું હશે
ગાંધીનગર: અમદાવાદના ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક પોલીસ કર્મચારીની દીકરીએ લખેલો ગુપ્ત પત્ર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વાંચી સંભળાવ્યો અને કહ્યું કે, મને ગુજરાતના ઘણાં પોલીસવાળા ખાનગીમાં મળે છે, તેઓ સામે નથી આવતા, કારણ કે તેમની મજબૂરી છે. જો ગુજરાતમાં ‘આપ’ સરકાર બનશે તો દેશમાં સૌથી સારાં પગારધોરણ ગુજરાત પોલીસનાં હશે.
પોલીસનાં પગારધોરણ સારાં કરી આપવાની જાહેરાત પોલીસ કર્મચારીઓઓમાં દાવાનળની પેઠે ફેલાઈ હતી અને થોડાં જ સમયમાં ગુજરાત આખાના પોલીસબેડાંના કર્મચારીઓએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં અરવિંદ કેજરીવાલની આ જાહેરાત સાથેનો ફોટોગ્રાફ મૂકી દીધો હતો.
હજુ ગુજરાત સરકાર રાજ્યમાં પોલીસ કર્મચારીઓનાં પગારધોરણો અંગે વિચારણા કરી રહી છે, પરંતુ તે અંગે કોઈ જાહેરાત થઈ રહી નથી. પોલીસ કર્મચારીઓને સરકારે વારંવાર આપેલાં આશ્વાસન બાદ હવે તેમની ધીરજ ખૂટી છે. તેની સામે પોલીસ કર્મચારીઓએ અરવિંદ કેજરીવાલના ફોટોગ્રાફ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકીને ભાજપ સરકારને આડકતરો સંદેશ આપી દીધો છે.
આ સંદેશો કેવો હોઈ શકે તેનો સંકેત કેજરીવાલના જ આ કાર્યક્રમના ભાષણમાં મળી શકે છે. તેમણે ગુજરાતના પોલીસ કર્મચારીઓને કહ્યું કે, તમે પોતાની નોકરી ખતરામાં ન નાખશો. પોતાની રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કરો અને તેની સરકાર બનાવવા પૂરેપુરું બળ લગાવો. આખા દેશમાં સૌથી ઓછો પગાર ગુજરાત પોલીસને મળે છે. હું ભરોસો આપું છું કે, અમારી સરકાર બનશે તો સૌથી સારાં પગારધોરણ ગુજરાતમાં અમે લાગુ કરાવીશું અને પોલીસની વર્કિંગ કન્ડિશન સુધારીશું. અત્યારે તમે જ્યાં છો ત્યાં કામ કરતા રહો, અંદરખાને અમારી સરકાર બનાવવામાં મદદ કરો.
આ અંગે ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત સરકાર પોલીસના પગાર અંગે ગંભીર રીતે વિચારણા કરી રહી છે, પરંતુ રાજકીય કારણોસર તે લંબાઈ રહી છે. કેજરીવાલે કરેલી જાહેરાત રાજકીય મુદ્દો છે અને તે અંગે અમારા સ્તરેથી પ્રતિક્રિયા આપવી યોગ્ય ગણાશે નહીં, પરંતુ પોલીસ કર્મચારીઓએ દર્શાવેલી પ્રતિક્રિયા તંત્ર માટે મોટી ચેતવણી સમાન છે.